દાહોદમાં ટ્રક-ટ્રાવેલર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવાર

પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે તો 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લીમખેડાના પાલ્લી હાઇવે પર સર્જાયો હતો. અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો હતો.
પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 8 લોકો ગંભીર ઘાયલ થયા છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે, બીજી અન્ય એક ઘટનામાં પ્રયાગરાજ કુંભમાં જઈ રહેલા દસ શ્રદ્ધાળુઓના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે થયેલી આ સામસામેની ટક્કરમાં 19 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં દાખલ કર્યા.
અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા
આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ દસ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા અને પ્રયાગરાજ સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં, બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા જેઓ સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહ્યા હતા. બસમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. આ અકસ્માત શુક્રવારે મોડી રાત્રે થયો હતો.

