દાહોદ નકલી કચેરી કૌભાંડમાં EDનો મોટો સપાટો: મુખ્ય આરોપીની 22.70 કરોડની સંપત્તિ જપ્ત

દાહોદમાં સિંચાઈ અને જલ સંસાધન વિભાગની ૬ નકલી કચેરીઓ બનાવી ૧૨૧ બોગસ કામોની મંજૂરી મેળવી સરકારી ફંડ પચાવી પાડવાના કરોડોના કૌભાંડમાં ED અમદાવાદ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય આરોપી અબુબકર ઝકીર અલી સૈયદ અને તેના પરિવારની રૂપિયા ૨૨.૭૦ કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
આરોપીઓએ સરકારી નાણાં ૯ નકલી બેંક ખાતામાંથી ૧૮ અન્ય ખાતાઓમાં અને બાદમાં સગાંસંબંધીઓના ૧૧૮ જેટલા બેંક એકાઉન્ટ્સમાં જટિલ નેટવર્ક દ્વારા ટ્રાન્સફર કરી પ્રોપર્ટી ખરીદવામાં રોક્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈડીએ કાર્યવાહી કરીને જમીનના ૭ ટુકડા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને બેંક એકાઉન્ટ્સમાં જમા રકમ સહિત કરોડોની મિલકતો સીઝ કરી દીધી છે. નકલી કચેરીઓ ઊભી કરી આચરવામાં આવેલા આ મહાકૌભાંડમાં તપાસ એજન્સીની આકરી કાર્યવાહીથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

