VIDEO: દેવગઢ બારિયામાં ખાતરની અછત વચ્ચે 400 થેલી DAPનો જથ્થો જપ્ત, ગોડાઉનને કરાયું સીલ
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ખાતરની અછત વચ્ચે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા DAP ખાતરની 400 થેલીનો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. ખેડૂતો પાસેથી મળેલી બાતમીના આધારે જિલ્લા ખેતી નિયામક સહિતના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેન્દ્રા ચોકડી ખાતે આવેલા શોપિંગ સેન્ટરમાંથી DAP ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસમાં આ ખાતરનો જથ્થો બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી તેમજ બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડારનો હોવાનું સામે આવ્યું હતું. ગોડાઉનમાં જે તે મંડળી દ્વારા જરૂરી નોંધણી કર્યા વિના ખાતરનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે.
નાયબ ખેતી નિયામક દ્વારા ગોડાઉનને સીલ કરાયું
એક તરફ તાલુકામાં ખેડૂતો ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોટી માત્રામાં ખાતરનો જથ્થો સંગ્રહિત મળી આવતાં અનેક સવાલો ઉભા થયા છે. નાયબ ખેતી નિયામક દ્વારા ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યું છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DAP ખાતરનો જથ્થો ઝડપાયો હોવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાતા ગેરકાયદેસર સંગ્રહ અને કાળા બજાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે અને અછત દૂર થાય તેવી માંગ ઉઠી છે.

