ફાગવેલથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ, પોલીસે મહિલા પર હાથ ઉગામવા મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી મધ્ય ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ફાગવેલ ભાથીજી મહારાજ મંદિર ખાતેથી યાત્રાની શરુઆત થઈ છે. આ યાત્રા મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં ભ્રમણ કરશે અને 1,400 કિલોમીટરની આ યાત્રા હશે. આ જન આક્રોશ યાત્રામાં ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નોનો મુદ્દો ઉઠાવવામાં આવશે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ફાગવેલ પહોંચ્યા છે, ત્યારે પ્રભારી મુકુલ વાસનિક પણ યાત્રામાં હાજર રહેશે.
દરમિયાન પોલીસ કર્મીએ મહિલા પર હાથ ઉગામ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પ્રહાર કર્યો છે અને કહ્યું કે, રક્ષણ કરવાની જવાબદારી જેની છે તે હાલ ભક્ષક બની રહ્યા છે.પોલીસ અત્યાચાર કરી રહી છે ત્યારે મહિલાઓ ન્યાય માટે ક્યાં જશે? ગૃહમંત્રી ફક્ત વાતો જ કરે છે પણ કાંઈ કામ થતુ જ નથી. મહિલાને જ્યારે જરૂર હશે ત્યારે કોંગ્રેસ સાથે છે.
તો જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, શાળામાં મધ્યાહન ભોજન કરે તે માધવસિંહ સોલંકીની દેન છે. દાળિયાઓને જમીનના માલિક બનાવાયા એ પણ માધવસિંહ સોલંકી ની દેન છે. કોંગ્રેસ પક્ષે ખૂબ યોગદાન આપ્યું ત્યારે ભારતને આઝાદી મળી છે. ગુજરાત ના 25 લાખ લોકો ડ્રગ્સ ના બંધાણી થયા છતાં ગૃહમંત્રી કાંઈ બોલતા નથી, એક મહિલાને પોલીસે ચાર લાફા માર્યા. પોલીસને કોઈનાથી ના ડરવાની વાતો કરે છે પણ રાજ્યમાં 28 પોલીસ ના હાડકા બૂટલેગરોએ તોડી નાખ્યા છે.
જગદીશ ઠાકોરે કહ્યું કે, રાહુલ ગાંધી કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા કરે છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સમગ્ર ગુજરાત ની યાત્રા કરી રહ્યા છે. ખેડા અને આણંદ જિલ્લામાં જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ તાલુકા લેવલે કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓ યાત્રા કરે છે. ત્યારે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની જાહોજલાલી હતી તે પરત આવે તેવી આશા છે.

