Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video/ Naswadi: Road incomplete for a year, pregnant woman gives birth to baby on the road

Video/ નસવાડી: એક વર્ષથી રસ્તો અધૂરો, સગર્ભાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એક તરફ દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજીના શિખરો સર કરી રહી છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી અને તંત્રની આંખ ઉઘાડતી એક ઘટના સામે આવી છે. નસવાડીના કુપ્પા ગામની એક સગર્ભા મહિલાને પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી.

App Store

શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, કુપ્પા ગામની એક સગર્ભા મહિલાને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ગામ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત બિસમાર અને કાચો હોવાથી એમ્બ્યુલન્સ ગામની અંદર આવી શકી નહોતી. અંતે, ગ્રામજનો અને પરિવારજનોએ મજબૂરીવશ સગર્ભાને લાકડીના ટેકે અથવા ઝોળીમાં ઊંચકીને એક કિલોમીટર લાંબા કાચા રસ્તે પગપાળા લઈ જવાનું નક્કી કર્યું હતું.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં જન્મ

સગર્ભાની કમનસીબી તો જુઓ કે, તે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં તેની પીડા અસહ્ય બની ગઈ હતી. અધવચ્ચે કાચા રસ્તા પર જ મહિલાએ બાળકને જન્મ આપવો પડ્યો હતો. ત્યારબાદ, છોટીઉંમર ગામના સીમાડે પાકા રોડ પર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી માતા અને નવજાત બાળકને પહોંચાડવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળક બંને દુગ્ધા PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે સારવાર હેઠળ છે.

તંત્ર અને એજન્સીની બેદરકારીનો ભોગ બનતા ગ્રામજનો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કુપ્પા ગામની શાળાને જોડતો આ મુખ્ય રસ્તો બનાવવાનું કામ જે-તે એજન્સીને સોંપાયેલું છે. પરંતુ છેલ્લા એક વર્ષથી એજન્સી દ્વારા આ રસ્તાનું કામ ખોરંભે પડ્યું છે. જો આ રસ્તો પાકો હોત તો 108 એમ્બ્યુલન્સ સીધી ગામ સુધી પહોંચી શકી હોત અને મહિલાને આ કપરી પરિસ્થિતિનો સામનો ન કરવો પડત.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે પણ અંતરિયાળ વિસ્તારના લોકો આજે પણ પાયાની જરૂરિયાતો જેવી કે રસ્તા અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ટોપિક્સ:naswadichhota udaipur