Video/ Chhota Udaipur માં સિંચાઈની મુશ્કેલી: જાની સરોવર છલોછલ ભરેલું છતાં, ખેડૂતોના પાણી માટે વલખાં
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામે આવેલા જાની સરોવરમાં પાણીનો જથ્થો છલોછલ હોવા છતાં, ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી. તળાવમાંથી ખેતરો સુધી પાણી પહોંચાડતી કેનાલો અત્યંત જર્જરિત હાલતમાં છે અને તેમાં ઝાડી-ઝાખરા ઊગી નીકળ્યા છે, જેના કારણે પાણીનું વહન શક્ય બની રહ્યું નથી.
તંત્રની બેદરકારી અને ખેડૂતોને હાલાકી
ડુંગર અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે જિલ્લામાં 13 જેટલા સિંચાઈના તળાવો આવેલા છે, જેમાંનું એક અમલવાંટ ગામનું જાની સરોવર છે. તળાવ સંપૂર્ણ ભરાયેલું હોવા છતાં, ખેતરો સુધી પાણી પહોંચતું ન હોવાથી ખેડૂતો શિયાળુ પાક માટે પાણી વગર વલખાં મારી રહ્યા છે.
કેનાલોની દુર્દશા:
સિંચાઈના પાણીને ખેતર સુધી પહોંચાડવા માટેની કેનાલો અતિ જર્જરિત બની ગઈ છે. ઘણી જગ્યાએ કેનાલોમાં ઝાડી-ઝાખરા ઊગી નીકળ્યા છે, જેનાથી પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે.
ગયા વર્ષે 60 લાખનો ખર્ચ
ગત વર્ષે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કેનાલો પાછળ રૂ. 60 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું ન હતું. આ ખર્ચની કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે.
આજીવિકા માટે અન્ય જિલ્લામાં જવાનો વારો
કવાંટ તાલુકામાં ભારે વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પહેલેથી જ મોટું નુકસાન થયું છે. હવે શિયાળુ પાક માટે પાણી ન મળતા તેમની મુશ્કેલી બેવડાઈ છે. અમલવાંટ સહિત આસપાસના પાંચ ગામોના લોકો જે આ તળાવના પાણી પર નિર્ભર હતા, તેઓને હવે સિંચાઈનું પાણી મળતું નથી.
ખેડૂતોને તેમની આજીવિકા મેળવવા માટે અન્ય જિલ્લામાં મજૂરી કરવા જવાનો વારો આવ્યો છે. વર્ષોથી ખેડૂતો દ્વારા તંત્રમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી.
સિંચાઈ વિભાગનો બચાવ
જ્યારે આ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સમસ્યા સ્વીકારીને બચાવ કરતાં જણાવ્યું હતું કે, "કેનાલો જર્જરિત છે. તેના સર્વેની કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના 13 જેટલા તળાવોનો સર્વે કરવામાં આવ્યો છે અને તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે."

