VIDEO: નસવાડી APMCમાં દુકાનોનું કામ અધૂરું, વેપારીઓની ડિપોઝિટ ફસાઈ
નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે APMC દ્વારા વેપારીઓને દુકાનો ભાડે આપવા માટે એક વર્ષ પહેલા ચાર વેપારીઓ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા, એટલે કે કુલ 20 લાખ રૂપિયાની ડિપોઝિટ લેવામાં આવી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ, દુકાનો છ મહિનાની અંદર બનાવીને સોંપવાની હતી, જેથી વેપારીઓ પોતાનો ધંધો શરૂ કરી શકે. જોકે, એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી દુકાનોનું કામ પૂર્ણ થયું નથી. વેપારીઓનો આક્ષેપ છે કે, દુકાનોનું બાંધકામ શરૂઆતથી જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું અને છેલ્લા ત્રણ મહિનાથી કામગીરી સંપૂર્ણપણે બંધ છે. દુકાનોનું બાંધકામ જે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું, તેનું પેમેન્ટ ચૂકવવામાં વિલંબ થતો હોવાના કારણે કામગીરી અટકી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. બીજી તરફ, વેપારીઓની 20 લાખ રૂપિયાની ડિપોઝિટ રકમ લાંબા સમયથી APMC પાસે જમા છે, ત્યારે આ રકમનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે વેપારીઓએ દુકાનોનું બાંધકામ તાત્કાલિક પૂર્ણ કરી દુકાનો સોંપવા તેમજ પોતાની ડિપોઝિટ અંગે સ્પષ્ટતા કરવાની માંગણી કરી છે.

