VIDEO: 16મા નાણાપંચની નવી ગાઈડલાઈન સામે સરપંચો લાલઘૂમ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 16મા નાણાપંચની નવી ગાઈડલાઈન સામે સરપંચ સંઘ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બોડેલી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ચિરાગની આગેવાની હેઠળ તાલુકાના સરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO), છોટાઉદેપુરને આવેદનપત્ર પાઠવી નવી ગાઈડલાઈનમાં તાત્કાલિક સુધારો કરવાની માગ કરી છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 16મા નાણાપંચ અંગે બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાના આયોજનમાં ફરજિયાતપણે રૂ.6 લાખથી વધુના કામો લેવાની જોગવાઈ કરવામાં આવી હોવાનો સરપંચ સંઘનો આક્ષેપ છે.
બોડેલીમાં સરપંચ સંઘે 16મા નાણાપંચની નવી ગાઈડલાઈન સામે ચાર મુખ્ય માગણીઓ કરી છે. તાલુકા અને જિલ્લા સમિતિના આયોજન માટે 15મા નાણાપંચની ગાઈડલાઈન યથાવત રાખવાની માંગ છે. ગ્રામ પંચાયતની કામ કરવાની સત્તા મર્યાદા 5 લાખથી વધારી 10 લાખ કરવાની પણ રજૂઆત કરાઈ છે. 10 લાખ સુધીના કામો માટે સરળ પ્રક્રિયા અને આંતરિક રસ્તા તથા પાવર બ્લોક માટે અનટાઈડ ગ્રાન્ટની 20 ટકાની મર્યાદા રદ કરવાની માંગ છે. સરપંચ સંઘના મતે નવી જોગવાઈઓથી ગામડાનો વિકાસ અટકી શકે છે, તેથી જૂના નિયમો યથાવત રાખવા અથવા સત્તા મર્યાદા વધારવા સરકાર સમક્ષ માંગ કરાઈ છે.

