Chhota Udaipur: નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગ વોલમાં ભંગાણ; મસમોટું ગાબડું પડતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ
નસવાડી તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાઈનિંગ તૂટી જવાની ગંભીર ઘટના સામે આવી છે. તાલુકાના સીમલ ધોડા ગામ પાસેથી પસાર થતી કેનાલની લાઈનિંગ વોલમાં મસમોટું ગાબડું અને તિરાડ પડતા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદાની મુખ્ય કેનાલમાં જ્યાં ગેટ આવેલો છે તેની બિલકુલ નજીક જ લાઈનિંગમાં ભંગાણ સર્જાયું છે. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ગાબડું સતત મોટું થઈ રહ્યું છે. કેનાલની દીવાલોમાં પડેલી લાંબી તિરાડો જોઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાયો છે.
ખુનવાડ માયનોર કેનાલ રિપેરીંગના માત્ર 4 દિવસમાં તૂટી ગઈ હતી
સંખેડા તાલુકાના ટીંબા અને ભાટપુર ગામ પાસેથી ખૂનવાડ માયનોર કેનાલ પસાર થાય છે આ કેનાલનું રિપેરિંગ નર્મદા નિગમ દ્વારા કરાવવામાં આવ્યું હતું પરંતુ કેનાલ રીપેરીંગના કામમાં કોંક્રિટ હલકી કક્ષાનું વાપરવામાં આવતા કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેનાલ ભાંગી ને ભૂક્કો થઈ ગઈ જેનાથી કેનાલનું પાણી કોતરોમાં વહેતા કેનાલ ની આજુબાજુની માટી પણ ઢસડાઈ ગઈ હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, ર્વર્ષો પછી કેનાલમાં પાણી આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી આશા જાગી હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને કેનાલની કામગીરી કરતા કેનાલ તૂટતા જ મોટું ગાબડું પડી ગયું.

