VIDEO: Chhota Udaipur / હેરણ નદીના કિનારે લાખોના લાકડાના ઢગલા, ચોમાસામાં તણાઈ જવાની ભીતિથી તંત્ર સામે સવાલો
નસવાડી બોડેલી નેશનલ હાઈવે નંબર 56 ના વિસ્તૃતીકરણ માટે ધામસિયાથી ખોડીયા ગામ વચ્ચે કાપવામાં આવેલા અંદાજે 3000 જેટલા વૃક્ષોના લાકડા વનવિભાગની બેદરકારીને કારણે જોખમમાં મુકાયા છે. હાઈવે કોન્ટ્રાક્ટરે લાખોની કિંમતના આ લાકડા વનવિભાગને સોંપ્યા બાદ, વિભાગે કુંડીયા બ્રિજ પાસે હેરણ નદીના કિનારે તેનો મોટો ઢગલો કરી દીધો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસામાં હેરણ નદીમાં 10 થી 15 ફૂટ સુધી પાણી આવતા આ 50 લાખથી વધુની કિંમતના લાકડા તણાઈ જવાની અને સરકારને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આશ્ચર્યની વાત એ છે કે, ચોમાસું નજીક હોવા છતાં વનવિભાગે હજુ સુધી આ લાકડાની હરાજી માટે અપસેટ વેલ્યુ નક્કી કરી નથી કે વેચાણની કોઈ પ્રક્રિયા હાથ ધરી નથી. એક તરફ પર્યાવરણને નુકસાન કરીને વૃક્ષો કાપવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ તૈયાર લાકડાના નિકાલમાં વિલંબ અને જોખમી સ્થળે સંગ્રહ વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

