VIDEO: છોટાઉદેપુરના ધડા ગામે નલ સે જલ યોજના પાણી વગર શોભાના ગાંઠિયા સમાન બની
છોટાઉદેપુર તાલુકાના ધડા ગામે સરકારની ‘નલ સે જલ’ યોજના તંત્રની નિષ્ક્રિયતાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. ગામમાં પાણીની ટાંકી અને ઘરે-ઘરે નળ કનેક્શન તો આપી દેવાયા છે, પરંતુ હજુ સુધી એક ટીપું પાણી પહોંચ્યું નથી. મેજર, ખરેડી અને ભૂમસેલ ફળિયામાં હલકી ગુણવત્તાની પાઇપલાઇન નાખવામાં આવી હોવાના કારણે આ સિચ્યુએશન ઊભી થઈ છે. આઝાદીના વર્ષો પછી પણ ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓ હેન્ડપંપ પર પાણી માટે નિર્ભર રહેવા મજબૂર છે. તંત્ર દ્વારા યોજનાના કામની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવે અને લોકોને સત્વરે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તેવી ગ્રામજનોની મજબૂત માંગ છે.
વિકાસના તમામ દાવાઓ વચ્ચે છોટાઉદેપુરના ધડા ગામે પીવાના પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામની નજીકથી જ નર્મદા આધારિત પાણીની પાઇપલાઇન પસાર થાય છે, તેમ છતાં સ્થાનિક આદિવાસી પરિવારો શુદ્ધ ફિલ્ટરવાળા પાણીથી વંચિત છે. નળ કોરા કટ રહેતા લોકો બોર અને હેન્ડપંપનું વધુ ટીડીએસ વાળું પાણી પીવા મજબૂર બન્યા છે, જેનાથી ગામમાં પાણીજન્ય રોગચાળો અને આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ફેલાવાનો ભય સતત સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીની ગુણવત્તા અને યોજનાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ગામ લોકો અપીલ કરી રહ્યા છે.

