VIDEO: છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ, આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ
છોટા ઉદેપુર સ્થિત જનરલ હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો સામે આવી છે. જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ ગણાતી આ હોસ્પિટલમાં સ્વચ્છતા, પૂરતા બેડ અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ખોરવાતાં દર્દીઓ અને તેમના પરિજનો પરેશાન થઈ રહ્યા છે.
દર્દીઓને જમીન પર સૂઈને સારવાર મેળવવાની નોબત આવી
મળતી માહિતી અનુસાર, હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતા પ્રમાણમાં બેડ ઉપલબ્ધ ન થતાં કેટલાક દર્દીઓને જમીન પર સૂઈને સારવાર મેળવવાની નોબત આવી છે. આ ઉપરાંત હોસ્પિટલના પરિસરમાં અસ્વચ્છતા જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓમાં અન્ય ચેપ ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. પીવાના શુદ્ધ પાણી માટે પણ દર્દીઓ અને તેમના સગાંઓને ભટકવું પડી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
દર્દીઓ અને સગાંઓના જણાવ્યાનુસાર, હોસ્પિટલમાં જરૂરિયાત મુજબના ડૉક્ટરો અને તબીબી સ્ટાફની અછતને કારણે દર્દીઓને સમયસર સારવાર મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.
આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે
આ મામલે સ્થાનિક સામાજિક આગેવાન અર્જુન પ્રોફેસરે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેણે હોસ્પિટલની વ્યવસ્થા સામે અસંતોષ વ્યક્ત કરતા ચેતવણી આપી હતી કે જો દર્દીઓને સત્વરે પૂરતી સારવાર અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે.
સ્થાનિક રહીશો અને દર્દીઓની માંગ છે કે આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય તપાસ કરી હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે.

