VIDEO: નસવાડીનો ખરેડા-દમોલી રોડ બન્યો જોખમી, અકસ્માતના ભય વચ્ચે કોઝ-વે પાર કરતાં વાહનચાલકો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રસ્તાની બિસ્માર હાલત અને તંત્રની કામગીરીને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. નસવાડી તાલુકાના ખરેડાથી દમોલી તરફ જતા માર્ગ પર આવેલા લો-લેવલ કોઝવેના સ્લેબમાં મોટો ભુવો પડી ગયો છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
ખાસ કરીને વરસાદી માહોલમાં કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે આ મોટો ખાડો પાણીમાં ઢંકાઈ જાય છે. પરિણામે વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી અને વાહનો સીધા જ ખાડામાં પટકાઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ અનેક વાહનચાલકો આ સ્થળે મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે.
કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે પરિસ્થિતિ વધુ જોખમી બની જાય છે. વાહન ખાડામાં પટકાયા બાદ પાણીના ભારે વહેણમાં તણાઈ જવાની પણ શક્યતા રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળે જોખમ અનેકગણું વધી જાય છે કારણ કે પાણીમાં છુપાયેલો ખાડો વાહનચાલકોને દેખાતો નથી. ખરેડાથી દમોલી તરફ જતો આ માર્ગ નસવાડી અને કવાંટ તાલુકાના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે જેના કારણે દિવસ દરમિયાન આ માર્ગ ઉપર નાના-મોટા વાહનોની સતત અવરજવર રહે છે તેમ છતાં કોઝવેના સ્લેબમાં પડેલા મોટા ભુવાના સમારકામ તરફ તંત્રનું ધ્યાન ન જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સરકાર દ્વારા રસ્તાઓના સમારકામ અને ખાડા પૂરવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે સવાલ એ છે કે આટલી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં ખરેડા-દમોલી માર્ગના આ જોખમી કોઝવેનું સમારકામ હજુ સુધી કેમ કરવામાં આવ્યું નથી? નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માત્ર કચેરીમાં બેસી રહેવાને બદલે સ્થળ પર પહોંચીને કોઝવેની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે અને તાત્કાલિક ધોરણે ખાડાનું સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે. હાલ તો આ જોખમી સ્થળે ચેતવણીના બોર્ડ, બેરિકેડિંગ પણ મારવામાં આવ્યા નથી વાહનચાલકોની સુરક્ષા સામે પણ મોટો ખતરો છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈએ રહ્યું છે.

