Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : indiscriminate cutting of trees, traffic jam for hours

Chhota Udaipur: વિકાસના નામે હાલાકી, આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Chhota Udaipur: વિકાસના નામે હાલાકી, આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી જબુગામ સુધીનો 35 કિલોમીટરનો માર્ગ રૂ.1100 કરોડના ખર્ચે ફોર લેન બનાવવા માટે મંજૂર થયો છે. જોકે, આ વિકાસ પરિયોજનાની શરૂઆત જ લોકો માટે મુસીબત બની ગઈ છે. નેશનલ હાઇવે 56 વિભાગ હેઠળ આ માર્ગ પર વૃક્ષો કાપવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવતા કલાકો સુધી હાઇવે પર વાહનો જામ થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો હેરાન-પરેશાન થયા હતા.

App Store

મળતી માહિતી મુજબ નસવાડી પેટ્રોલપંપ પાસેથી કલેડીયા ચોકડી વચ્ચેના વિસ્તારમાં વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી તદ્દન આડેધડ રીતે કરવામાં આવી રહી હતી. મોટા વૃક્ષોને રોડની સાઇડમાં સુરક્ષિત રીતે પાડવાને બદલે તેને સીધા જ મેઇન રોડ ઉપર પાડી દેવામાં આવતા હતા.

આ ગંભીર બેદરકારીને કારણે હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જોતજોતામાં રોડની બંને બાજુએ બે-બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. જેના લીધે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

અધિકારીઓ ગાયબ, સુપરવાઈઝરનો ઉદ્ધત જવાબ

આશ્ચર્યની વાત એ છે કે હાઇવે પર આટલી મોટી કામગીરી ચાલી રહી છે ત્યારે નેશનલ હાઇવે 56 વિભાગના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળ પરથી ગૂમ જણાયા હતા. કોઈ પણ સરકારી અધિકારી હાજર ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જ્યારે કેટલાક સ્થાનિકોએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરના સાઇડ સુપરવાઇઝરને આ અવ્યવસ્થા અંગે સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પહેલા 'ગુજરાતી નથી આવડતું' તેમ કહી વાત ઉડાવી દીધી હતી. ત્યારબાદ હિન્દીમાં જવાબ આપવાનું કહેવા છતાં તેણે કોઈ પણ સ્પષ્ટતા આપ્યા વિના ત્યાંથી ચાલતી પકડી હતી.

'108 એમ્બ્યુલન્સ ફસાય તો જવાબદાર કોણ?' - લોકોનો આક્રોશ

કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. લોકોએ આક્ષેપ કરતા કહ્યું કે, 'વિકાસના નામે આડેધડ કામગીરી કરીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો આ ટ્રાફિક જામમાં કોઈ 108 એમ્બ્યુલન્સ કે અન્ય ઈમરજન્સી વાહન ફસાઈ જાય, તો તેની જવાબદારી કોની રહેશે? આટલી મોટી કામગીરી ચાલતી હોય ત્યારે અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને ટ્રાફિકનું નિયમન કરાવવું જોઈએ.'