VIDEO: છોટાઉદેપુરના નસવાડીની પીસાયદા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ અને વીજળીના અભાવે બાળકો પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીસાયદા ગામની ધોરણ 1 થી 8 ની સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સંકટ સર્જાયું છે. શાળાના ચાર પૈકી ત્રણ વર્ગખંડો અત્યંત જર્જરિત અને વરસાદમાં પાણી ટપકતા હોવાથી જોખમી બન્યા છે, જેના કારણે માત્ર એક જ વર્ગખંડમાં ધોરણ 6 થી 8 ના બાળકોને બેસાડવામાં આવે છે. ધોરણ 1 થી 5 ના નાના બાળકોને વર્ગખંડના અભાવે શાળાના પરિસરમાં પતરાના શેડ નીચે બેસીને ગરમી અને વરસાદ વચ્ચે અભ્યાસ કરવો પડે છે. આ ઉપરાંત, લાંબા સમયથી વીજ મીટરમાં ખામી સર્જાતા શાળામાં વીજળી પણ નથી, અને MGVCL માં રજૂઆતો છતાં સમસ્યા ઉકેલાઈ નથી. આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ગંભીર બાબતે વાલીઓ અને ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર સામે જર્જરિત ઓરડાઓ દૂર કરી નવા વર્ગખંડો બનાવવા અને વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની ઉગ્ર માંગ કરી છે.

