Chhota Udaipur: નર્મદા નિગમની બેદરકારીથી કેનાલમાં ભંગાણ, રિપેરિંગના માત્ર 4 જ દિવસમાં ખૂનવાડ માઇનોર કેનાલ તૂટી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ખુનવાડ માયનોર કેનાલનું ચાર દિવસ પહેલા જ રિપેરિંગ કરાવવામાં આવ્યું હતું તે કેનાલમાં પાણી છોડતાંની સાથે જ કેનાલ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. ત્યારે નર્મદા નિગમના અધિકારીઓના વાંકે ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા અને ભાટપુર ગામ પાસેથી ખૂનવાડ માયનોર કેનાલ પસાર થાય છે આ કેનાલનું રિપેરિંગ નર્મદા નિગમ દ્વારા કરાવવામાં આવ્યું હતું પરંતુ કેનાલ રીપેરીંગના કામમાં કોંક્રિટ હલકી કક્ષાનું વાપરવામાં આવતા કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેનાલ ભાંગી ને ભૂક્કો થઈ ગઈ જેનાથી કેનાલનું પાણી કોતરોમાં વહેતા કેનાલ ની આજુબાજુની માટી પણ ઢસડાઈ ગઈ. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષો પછી કેનાલમાં પાણી આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી આશા જાગી હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને કેનાલની કામગીરી કરતા કેનાલ તૂટતા જ મોટું ગાબડું પડી ગયું છે. હવે પાણી ક્યારે મળશે તે સમય બતાવશે. નર્મદા નિગમના અધિકારીઓના વાંકે વર્ષોથી સિંચાઈનું પાણી અમને મળતું નથી અલગ અલગ જગ્યાઓ ઉપર કેનાલો જર્જરિત છે. ટીંબા ગામ પાસે અન્ય કેનાલો પણ જર્જરિત છે પરંતુ તેને પણ નર્મદા નિગમના અધિકારીઓ જોવા માટે આવતા નથી અને પાણી લીકેજ થતું હોવાથી ખેડૂતોને નુકશાન થાય છે. હાલ તો કેનાલ તૂટતા ફરી ક્યારે રિપેર થશે તે પ્રશ્ન ખેડૂતોને મૂંઝવી રહ્યો છે.

