Video: Botad ના જાળીલા ગામે દલિત યુવકનો મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા; પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગતરાત્રિના સમયે ગામની પાણીની ટાંકી પાસેથી એક દલિત યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક જાળીલા ગામનો રહેવાસી હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી હોવાની ઓળખ થઈ છે. પરિવારજનોએ આ બનાવમાં હત્યાનો સ્પષ્ટ આરોપ લગાવ્યો છે અને જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.
ફોન કરીને ઘર બહાર બોલાવાયો
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવાન હર્ષદ સોલંકીને રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કરીને ઘર બહાર બોલાવ્યો હતો. હર્ષદે પોતાના પિતાને જણાવ્યું હતું કે, "મારા મિત્રનો ફોન આવ્યો છે, હું મળીને તરત પાછો આવું છું" અને ઘરેથી નીકળી ગયો હતો. જોકે, મોડે સુધી હર્ષદ પરત ન આવતા પરિવારજનોએ તપાસ શરૂ કરી, ત્યારે તેનો મૃતદેહ પાણીની ટાંકી પાસે મળી આવ્યો હતો.
મૃતદેહ પર ઇજાના નિશાનો, પરિવારજનોનો આક્રોશ
મૃતક યુવકના શરીર પર ઇજાના નિશાનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે, જેના આધારે પરિવારજનોએ સ્પષ્ટપણે હત્યાનો આરોપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો એકઠા થયા હતા અને તેમણે આરોપીઓ વિરુદ્ધ સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ ન થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

