Botad/ સસ્તા અનાજની દુકાનોમાં જીવાતવાળું સડેલું અનાજ, જથ્થો લઈને ગ્રાહક મામલતદાર કચેરી પહોંચ્યો
બોટાદ શહેરમાં સરકારની NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) યોજના હેઠળ ગરીબ પરિવારોને આપવામાં આવતા સસ્તા અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રાહકોને અપાતા ઘઉં અને ચોખા સડેલા, પાઉડર જેવા અને જીવાતવાળા આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. એક ગ્રાહક તો જથ્થો લઈને સીધા પુરવઠા મામલતદાર પાસે ફરિયાદ કરવા પહોંચ્યો હતો.
જીવાતવાળું અનાજ અને ગ્રાહકોની હાલાકી
બોટાદમાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં મળતા પુરવઠાની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકોને મળતા ઘઉં-ચોખા સડેલા, ધનેડાથી ભરપૂર અને જાણે કે પાઉડર જેવા થઈ ગયા હોય તેવી સ્થિતિમાં મળી રહ્યા છે. આ નબળી ગુણવત્તાના કારણે ગરીબ પરિવારોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે, કેમ કે તેઓ આ અનાજનો વપરાશ કરી શકતા નથી.
રેશનશોપ એસોસિએશનનો ખુલાસો
આ મામલે સરકાર માન્ય રેશનશોપ એસોસિએશનના શહેર પ્રમુખ અનિલ ભાલાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ગોડાઉન મેનેજર તરફથી જ જ્યારે સડેલા ઘઉં-ચોખા આવતા હોય, ત્યારે જો ગ્રાહકો ફરિયાદ કરે તો દુકાનદાર અનાજ ક્યારેક બદલી આપતા હોય છે. તેમણે ઉમેર્યું કે ચોમાસા દરમિયાન અનાજમાં ધનેડા કે જીવાત પડતી હોય છે. આ નિવેદન બાદ સવાલ ઉઠ્યો છે કે શું સરકાર દ્વારા ગોડાઉનમાં અનાજ સુરક્ષિત રાખવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કે અન્ય પગલાં લેવામાં આવે છે કે કેમ?

