VIDEO: Botad / પાળીયાદમાં આરોગ્ય સેવાઓ રામભરોસે, ઇમરજન્સીમાં ડોક્ટર ગેરહાજર, એક કલાક સુધી દર્દી સારવાર વિના ટળવળ્યો
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ આપવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પાળીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. પાળીયાદ સરકારી દવાખાનામાં ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીને તપાસવા માટે કોઈ ડોક્ટર હાજર ન હોવાની ગંભીર ઘટના સામે આવી છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક દર્દીને ગંભીર હાલતમાં ઇમરજન્સી સારવાર માટે પાળીયાદ CHC ખાતે લાવવામાં આવ્યો હતો. આઘાતજનક બાબત એ છે કે, દર્દીને લાવ્યાના એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેને એડમિટ કરવો કે પ્રાથમિક સારવાર આપવી, તે કહેવા માટે પણ કોઈ ડોક્ટર હાજર નહોતું. હોસ્પિટલમાં માત્ર એક નર્સ હાજર હોવાનું જાણવા મળ્યું છે, જે ડોક્ટરની ગેરહાજરીમાં કોઈ પણ નિર્ણય લેવા માટે અસમર્થ જણાતા હતા.
હોસ્પિટલના વહીવટની પોલ ત્યારે ખુલી જ્યારે ખબર પડી કે, લાઠીદડથી પાળીયાદ CHCમાં ડેપ્યુટેશન પર જે ડોક્ટરની નિમણૂક કરવામાં આવી હતી, તેઓ ફરજ પર પહોંચ્યા જ નહોતા. ડોક્ટરોની આવી અનિયમિતતા અને બેજવાબદાર વર્તનને કારણે ગંભીર હાલતમાં આવેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ ભદ્રાવડી ગામના સરપંચ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે હોસ્પિટલની આવી કથળતી હાલત જોઈને રોષ વ્યક્ત કર્યો હતો. અને આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

