VIDEO: Botad / મધુનદી પર બનતો પુલ રહીશો માટે બન્યો આફત, ડાયવર્ઝન આપ્યા વિના પુલનું કામ શરૂ કરાતા સ્થાનિકોને ભારે હાલાકી
બોટાદ શહેરના વિહાવાવ વિસ્તારમાં મધુનદી પર બની રહેલો નવો પુલ ભવિષ્યમાં લોકોની સુવિધામાં વધારો કરશે, પરંતુ હાલમાં આ પ્રોજેક્ટ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ડાયવર્ઝન કે વૈકલ્પિક રસ્તો આપ્યા વિના જ કામગીરી શરૂ કરી દેવાતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પુલ બોટાદના કાંગશિયા પરા વિસ્તારથી તુલસીનગર, તુરખા રોડ, ચકલા ગેટ, ભગવાન પરા, ઢાંકણીયા રોડ અને રામનગર જેવા અનેક મહત્વના વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. પુલની બંને તરફ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ ટ્યુશન ક્લાસીસ આવેલા હોવાથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે. કોન્ટ્રાક્ટરે નાળું ખોદીને મૂકી દીધું હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
કોન્ટ્રાક્ટર દ્વારા અવરજવર માટે કોઈ પ્રોપર ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. જેના કારણે લોકો ખોદકામ બાદ બનાવેલા માટીના કાચા પાળા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો એટલો જોખમી છે કે અનેકવાર મહિલાઓ અને બાળકો લપસીને ખાડામાં પડી જવાની ઘટનાઓ બની છે. વૃદ્ધો માટે આ રસ્તેથી ચાલવું લગભગ અશક્ય બની ગયું છે.
સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલિક અસરથી સુરક્ષિત ડાયવર્ઝન બનાવવામાં આવે તેમજ વાહનો અને રાહદારીઓ માટે અલગ રસ્તો ફાળવવામાં આવે. પુલનું કામ ઝડપથી પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવે જેથી મહિનાઓ સુધી ચાલનારી આ હાલાકીનો અંત આવે.

