મોટા સમાચાર : ભાજપે વાવમાં અપક્ષ ઉમેદવારી કરનાર માવજીભાઈ પટેલ સહિત 5 નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ

Vav assembly by-election 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર પણ મૂળ ભાજપ નેતા માવજીભાઈ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના મોટા નેતા માવજીભાઈ પટેલ સહિત 5 નેતાઓને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ 5 નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા
- માવજીભાઈ ચતરાભાઈ પટેલ - વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી, બનાસ બેન્કના ડાયરેક્ટર
- દલપતરામ પટેલ - ચેરમેન, ભાભર APMC
- લાલજીભાઈ હમીરભાઈ ચૌધરી(પટેલ) - પૂર્વ ચેરમેન, ભાભર APMC
- દેવજીભાઈ પ્રેમાભાઈ પટેલ - પૂર્વ ચેરમેન, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, હાલમાં ડિરેક્ટર
- જામાભાઈ ભુરાભાઇ પટેલ - પૂર્વ મહામંત્રી, સુઈગામ તાલુકો
આ પણ વાંચો : ભાભરમાં માવજીભાઈ પટેલના તેજ-તર્રાર ભાષણથી ભાજપ નેતાઓના ઊડ્યાં હોશ, જુઓ વીડિયો

ભાજપનો જ નહીં, સી.આર.પાટીલનો પાવર ઉતારવો છે : માવજીભાઈ પટેલ
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે રસાકસીભરી ચૂંટણી યોજાવવા જઈ રહી છે. બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજીભાઈ પટેલ હવે પાટીલ સાથે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. પ્રચાર વખતે માવજીભાઈ પટેલે જાહેરમાં કહ્યું કે, મારે ભાજપનો જ નહીં, સી.આર.પાટીલનો પાવર ઉતારવો છે. તેમણે ચિમકી પણ આપી કે, હું ભાજપનો સૈનિક હોવા છતાંય ભાજપે મારી અવગણના કરી છે. પણ ભાજપને આ બધુંય ભારે પડશે. આ તરફ, ભાજપે વાવ બેઠક જીતવા મંત્રી-નેતાઓની ફોજ ઉતારી દીધી છે.

