રાજ્યમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર વતી હાઈકોર્ટમાં રિપોર્ટ કરાયો રજુ

રાજ્યમાં ધાર્મિક ગેરકાયદેસર બાંધકામ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી નિપૂણા તોરવણેએ હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી 33 જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દ્વારકામાં દબાણ હેઠળ આવતી 1 લાખ 30 હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી
જેમાં જિલ્લાઓમાંથી 127 અને કોર્પોરેશન વિસ્તારમાંથી 29 એમ કુલ 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી છે. તેમજ 14 ધાર્મિક સંસ્થાને રીલોકેટ કરવામાં આવી છે. જાહેર માર્ગ, બગીચા અથવા અન્ય જાહેર જગ્યા ઉપર આવેલ ગેરકાયદે ધાર્મિક બાંધકામ હોય તેની સામે ૪૫૮ નોટીસ ફટકારાઈ છે. આ સાથે ધાર્મિક આગેવાનો સાથે સમજાવટના ભાગરૂપે 826 બેઠક કરવામાં આવી છે. અનઅધિકૃત ધાર્મિક બાંધકામો મામલત કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો. અને પોલીસ કમિશનર ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ કડક હાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું. જ્યાં ગેરકાયદે સ્થળ ઉપર ડિમોલિશન ચાલતું હોય ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા પણ કોર્ટે નિર્દેશ આપ્યો હતો. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. જરૂર જણાય તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા.

