VIDEO: પાલીતાણાના જૈન તીર્થધામ પાલીતાણાના પથમાર્ગે શ્રદ્ધાળુઓની સાથે સિંહોની લટાર, સર્જાયું અદભૂત દૃશ્ય
ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણાના પથ પર સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૨૫૦ આરસનાં દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીર્થંકર આદિનાથ (ઋષભદેવ)નું છે.
પાલીતાણાના જૈન તીર્થધામના પથ પર સિંહોની લટાર
ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં દિવાળીના પવિત્ર પર્વ દરમિયાન પદ્માવતી મંદિર નજીક સિંહ દેખાયા હતા. સિંહની હાજરીથી જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. પદ્માવતી મંદિર તરફ જતા માર્ગ પર 4 સિંહોના જૂથમાંથી બે સિંહ પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર જોવા મળ્યા હતા. ડુંગર પરથી સિંહો અચાનક જૈન તીર્થધામ પાલીતાણાના પથ પર પહોંચ્યા હતા. જૈન શ્રદ્ધાળુઓમાં પણ અચાનક સિંહ દર્શન થતા કુતૂહલ સર્જાયું હતું.
શ્રદ્ધાળુઓ અને સિંહ એક સાથે ચાલતા નજરે પડ્યા
દિવાળીના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ હોવા છતાં, આ સિંહો નિર્ભય થઈને પથ પર ફરતા નજરે પડ્યા હતા, અને શ્રદ્ધાળુઓ સાથે સિંહ પણ જાણે આદિનાથ ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. આ સમયે પથ પર શ્રદ્ધાળુઓ અને સિંહ એક સાથે ચાલતા નજરે પડી રહ્યા છે. સિંહે પણ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યું નહોતુ.

