VIDEO: મહુવાના ભીલડી ગામમાં આકાશી આફત, શીતળા પ્લોટના ઘરોમાં ઘૂસ્યા પાણી, જનજીવન અસ્તવ્યસ્ત!
મહુવા પંથકમાં ગઈકાલથી જ વરસી રહેલા અવિરત ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જેમાં ભીલડી ગામના શીતળા પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારના લોકો છેલ્લા ૧૦ વર્ષથી ચોમાસા દરમિયાન જળબંબાકારની એક ને એક જ ગંભીર સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા પાણીના નિકાલના આ કાયમી પ્રશ્ને તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી અને ઉદાસીન વલણના કારણે ચોમાસું શરૂ થતાં જ લોકોની ઘરવખરી પલળી રહી છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. પોતાના જ આશિયાનામાં કેદ થયેલા ગ્રામજનોમાં પ્રી-મોન્સૂન કામગીરીના નામે મીંડું વાળનારા જવાબદાર સરકારી અધિકારીઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

