Bhavnagarમાં SIRની કામગીરીનો ધમધમાટ, અત્યાર સુધીમાં 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ

ભાવનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR)ની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી પૂર્ણ કરવા બીએલઓ દોડધામ કરી રહ્યા છે.
જિલ્લાની 7 વિધાનસભા વિસ્તારમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાની કામગીરી ગત તા. 4 નવેમ્બર-2025થી શરૂ થઈ હતી અને આગામી તા. 4 ડિસેમ્બર-2025 સુધી મતદારોના ફોર્મ ભરવાની કામગીરી ચાલશે. છેલ્લા 22 દિવસમાં 68.86 કામગીરી થઈ છે અને હજુ 31.14 ટકા કામગીરી બાકી હશે. કુલ 18,66,937 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 12,85,592 મતદારના ફોર્મ ભરાય ગયા છે, જયારે હજુ 5,81,345 મતદારના ફોર્મ ભરવાના બાકી છે તેમ ચૂંટણી શાખાના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.
SIRની કામગીરી આડે હવે માત્ર 9 દિવસ રહ્યા છે. કેટલીક વિધાનસભા બેઠકમાં સારી તો કેટલીક બેઠક પર ઓછી કામગીરી થઈ છે તેથી આ કામગીરી 100 ટકા પૂર્ણ કરવા માટે બીએલઓ દોડધામ કરી રહ્યા છે. અંતિમ દિવસ સુધીમાં કેટલા ટકા કામગીરી પૂર્ણ થાય છે ? તેની રાહ જોવી જ રહી. ઉલ્લેખનીય છે કે, ડ્રાફટ મતદાર યાદીનું પ્રકાશન આગામી તા. 9 ડિસેમ્બર થશે. દાવા અને વાંધાની અવધિ આગામી તા.9 ડિસેમ્બર-2025થી આગામી તા.8 જાન્યુઆરી 2026 રહેશે.નોટીસ તબક્કો (સુનાવણી અને ચકાસણી) આગામી તા. 9 ડિસેમ્બરથી તા. 31 જાન્યુઆરી-2026 રહેશે. અંતિમ મતદારયાદીનું પ્રકાશન આગામી તા.7 ફેબુ્રઆરી-2026 ના રોજ જાહેર કરાશે.
ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાં સરની કામગીરી ચાલી રહી છે, જેમાં ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ કામગીરી મહુવા વિધાનસભા બેઠક પર 76.28 ટકા થઈ છે, જયારે સૌથી ઓછી કામગીરી ભાવનગર પશ્ચિમ બેઠક પર 61.35 ટકા થઈ છે. આ ઉપરાંત તળાજા અને ગારિયાધાર બેઠક પર પણ 70 ટકાથી વધુ કામગીરી થઈ છે.

