ઘોઘા તાલુકામાં લઠ્ઠાકાંડ મામલે પોલીસ કાર્યવાહી શરૂ, 4 બૂટલેગરોની ધરપકડ

ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ મોત મામલે કલેકટરે પત્રકાર પરિષદ યોજી મહત્ત્વની વિગતો આપી છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ ઘોઘા તાલુકાના ખરકડી ગામે મિત્રોની પાર્ટી બાદ દારૂની અસરો દેખાતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે હજી 18 લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ કેસ કાર્યવાહી કરી દારૂના સપ્લાય સાથે જોડાયેલા 4 બૂટલેગરોની ધરપકડ કરી લીધી છે.
હોસ્પિટલોમાં અસરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે મેડિકલ કોલેજની નિષ્ણાત ટીમો અને અમદાવાદમાંથી નેફ્રોલોજિસ્ટને ભાવનગર બોલાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે છેલ્લા 2-3 દિવસમાં જેણે પણ આ પ્રકારના દારૂનું સેવન કર્યું હોય, તેઓ તુરંત નજીકની હોસ્પિટલે પહોંચીને પોતાની તપાસ કરાવે.
દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રૂટથી આવ્યો હોવાની શંકા
તપાસ દરમિયાન નકલી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રૂટથી ભાવનગર પહોંચ્યો હોવાની શંકા છે. આ જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકાના પગલે પોલીસે કડક પગલાં લીધા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામ સરપંચો સાથે ખાસ બેઠક યોજી હતી. બેઠકમાં કોઈ પણ નાગરિક દારૂ ન પીવે તેવી અપીલ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે દારૂના 177થી વધુ કેસ નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, SMC ને તપાસ સોંપાઈ
આ ગંભીર બનાવના પગલે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ 18 ઓગસ્ટે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, SMCના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

