ભાવનગર/ હાથબ અગ્નિસ્નાન મામલો: ટૂંકી સારવાર બાદ એક માસૂમનું મોત, માતા સામે હત્યાનો ગુનો દાખલ

હાથબ ગામે ઘર કંકાસના કારણે માતાએ બે પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કરવાના ચકચારી બનાવમાં મહિલાના પિયર પક્ષે ત્રાસના કારણે પગલું ભર્યું હોવાની અને સાસરી પક્ષ તરફથી માતા સામે હત્યાના પ્રયાસની સામસામી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સર ટી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોટી પુત્રીનું મોત નિપજ્યું હતું. આ મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહિલા સામે હત્યાનો ગુનો દાખલ
ઘોઘા તાલુકાના હાથબ ગામે હાથબ બંગલા પાસે આવેલા જંગલ વિસ્તારમાં બે દિવસ પૂર્વે મહિલાએ પોતાની બે પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝેલી માતા-પુત્રીઓને પ્રથમ કોળિયાક સરકારી હોસ્પિટલ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ઘરકંકાસના કારણે મહિલાએ બન્ને બાળકીઓ સાથે કર્યું હતું અગ્નિસ્નાન
હાથબ અગ્નિસ્નાનના આ ચકચારી કેસની પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલુ ભર્યું હોવાનું સામે આવ્યા હતું. આ મામલે બે દિવસ પૂર્વે મહિલાના પિતાએ મહિલાને તેના સાસુ-સસરા અને દિયર દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી આ પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી તરફ ગઈકાલે મહિલાના પતિએ પણ તેમના પત્નિ વિરૂદ્ધ બંને બાળકીના હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: રાજકોટ : જયંતિ સરધારા પર હુમલાના કેસમાં PI સંજય પાદરીયા પર નોંધાયેલા ગુનામાં મોટા સમાચાર
જે બાદ સર ટી.હોસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં મોટી દિકરી (ઉ.વ.૯)નું સારવાર દરમિયાન મોત નિપજતા ઘોઘા પોલીસ મથકમાં નોંધાયેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરી આગળની તજવીજ હાથ ધરી છે, જ્યારે આ કેસમાં આરોપી મહિલાની સારવાર ચાલતી હોય તેમની સારવાર પૂર્ણ થયે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

