રાજકોટ : જયંતિ સરધારા પર હુમલાના કેસમાં PI સંજય પાદરીયા પર નોંધાયેલા ગુનામાં મોટા સમાચાર

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. સંજય પાદરીયા સામેની ફરિયાદમાં જયંતિ સરધારાએ પોતાની ઉપર પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે હુમલો થયાનું લખાવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં સંજય પાદરીયા દ્વારા આ પ્રકારના કોઈ હથિયારનો ઉપયોગ નહીં થયાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત સંજય પાદરીયાએ પોતાની સામેની ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા અરજી કરી હતી, જે અંગે આજે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ મોટું અપડેટ આપ્યું છે.
PI સંજય પાદરીયા પર હત્યાના પ્રયાસનો ગુનો રદ્દ કરાશે
આ અંગે ઝોન 2 DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું કે આ સમગ્ર એમણે શરૂઆતમાં જયંતિ સરધારાએ આપેલા નિવેદનને આધારે PI સંજય પાદરીયા પર હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જો કે બાદમાં સ્વતંત્ર સાક્ષીઓ અને ડોક્ટરના મેડિકલ સર્ટી બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે PI સંજય પાદરીયા પર નોંધાયેલા ગુનામાં હત્યાના પ્રયાસની કલમ BNS 109 હટાવવામાં આવશે અને આ અંગે પોલીસે કોર્ટમાં અરજી કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળના CCTVમાં પણ PI સંજય પાદરીયા પાસે કોઈ હથિયાર હોવાનું દેખાયું નથી.
PI સંજય પાદરીયાએ પણ BNS 109 હટાવવા કરી હતી અરજી
જયંતિ સરધારા સાથે થયેલી મારામારી મુદ્દે PI સંજય પાદરીયાએ તપાસ અધિકારીને અરજી કરી હતી અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે, તેવી રજૂઆત કરી હતી. પોતાની વિરુદ્ધ BNSની કલમ 109 મુજબ પ્રથમ દૃષ્ટિએ ગુનો પુરવાર થતો નથી તેવો બચાવ પણ કર્યો હતો. સરધારાને પહોંચેલી ઈજા મામલે ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવે, તો તેને સામાન્ય ઇજા પહોંચી છે એવું અરજીમાં ટાંક્યું હતું. આ ઉપરાંત સંજય પાદરીયાએ અરજીમાં લખ્યું હતું કે શ્યામ પાર્ટી પ્લોટ પાસે કુલ 64 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જે તપાસવા જરૂરી છે. આ સાથે PI સંજય પાદરીયાએ 4 સાક્ષીઓના નામ અને મોબાઈલ નંબર પણ અરજીમાં લખ્યા હતા.

