Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : 2 more accused arrested in cyber fraud mule account case

Bhavnagar/ બેંક એકાઉન્ટ ભાડે આપતા પહેલાં સો વાર વિચારજો, સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Bhavnagar/ બેંક એકાઉન્ટ ભાડે આપતા પહેલાં સો વાર વિચારજો, સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ
સોર્સ : gstv

ભાવનગરની ઘોઘારોડ પોલીસે સાયબર ક્રાઈમની દુનિયામાં ચાલતા મ્યુલ એકાઉન્ટ (ભાડાના ખાતા)ના મોટા રેકેટનો પર્દાફાશ કરીને વધુ બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં અત્યાર સુધી લાખો રૂપિયાની હેરાફેરી સામે આવી છે.

App Store

શું છે સમગ્ર મામલો?

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી એસ.બી.આઈ. (SBI) બેંકના એક ખાતામાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થતા હોવાની 6 જેટલી ફરિયાદો ઉઠી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નિરવભાઈ વિક્રમભાઈ પંડ્યાના નામના આ ખાતામાં કુલ ₹9,64,545 ની રકમ RTGS, IMPS, UPI અને ATM મારફતે જમા થયા બાદ તુરંત જ ઉપાડી લેવામાં આવી હતી.

તપાસમાં ખુલ્યા નવા નામ

આ કેસમાં અગાઉ નિરવ પંડ્યાની ધરપકડ કરવામાં આવી હતી. તેની સઘન પૂછપરછ દરમિયાન આ કૌભાંડના અન્ય સૂત્રધારોના નામ બહાર આવ્યા હતા. જેના આધારે પોલીસે કાળિયાબીડ વિસ્તારમાં રહેતા રાજુભાઈ વાઘોશી અને મયુર નામના બે શખ્સોને દબોચી લીધા છે.

મ્યુલ એકાઉન્ટનો ખતરનાક ખેલ

સાયબર અપરાધીઓ સામાન્ય રીતે ભોળા લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરીને છેતરપિંડીના નાણાં સગેવગે કરતા હોય છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ સાયબર ફ્રોડ કરનારા ઠગ અને મ્યુલ એકાઉન્ટ ધારકો વચ્ચેની મહત્વની કડી હોવાનું મનાય રહ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

મ્યુલ એકાઉન્ટ એટલે શું? 

સાયબર ગુનેગારો ચોરી કે છેતરપિંડીના પૈસા સીધા પોતાના ખાતામાં મંગાવતા નથી, કારણ કે તેમ કરવાથી તેઓ તરત પકડાઈ જાય. આથી, તેઓ અન્ય કોઈ વ્યક્તિના બેંક ખાતાનો ઉપયોગ કરીને પૈસાની હેરાફેરી કરે છે. જે વ્યક્તિનું ખાતું આ રીતે વપરાય છે, તેને 'મની મ્યુલ' (Money Mule) કહેવામાં આવે છે.

. આ રેકેટ કેવી રીતે કામ કરે છે?

  • સાયબર ઠગ કોઈ નિર્દોષ વ્યક્તિને લાલચ આપીને તેનું બેંક ખાતું, એટીએમ કાર્ડ અને ચેકબુક મેળવી લે છે.

  • દેશના ખૂણેખૂણેથી છેતરપિંડી કરેલા પૈસા આ 'મ્યુલ એકાઉન્ટ'માં જમા થાય છે.

  • પૈસા જમા થતાની સાથે જ આરોપીઓ તેને એટીએમ કે અન્ય ટ્રાન્સફર દ્વારા ઉપાડી લે છે.

સાયબર ઠગ લોકોને કેવી રીતે ફસાવે છે?

  • કમિશનની લાલચ: "તમારા ખાતામાં પૈસા આવશે, તમારે અમને ઉપાડીને આપવાના અને તમને 2 થી 5 % કમિશન મળશે."

  • નોકરીની લાલચ: "અમારી કંપનીમાં કામ કરવા માટે તમારે તમારું ખાતું કંપનીના ટ્રાન્ઝેક્શન માટે આપવું પડશે."

  • મદદના નામે: "મારું ખાતું બંધ છે, મારે તાત્કાલિક ઘરેથી પૈસા મંગાવવા છે, શું હું તમારા ખાતામાં મંગાવી શકું?"

ખાતું આપનાર વ્યક્તિ ફસાય તો શું થાય?

ઘણીવાર ખાતું આપનાર વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તેના ખાતામાં ગુનાના પૈસા આવી રહ્યા છે, તેમ છતાં કાયદાની નજરમાં તે ગુનેગાર બને છે:

  • ધરપકડ: પોલીસ જ્યારે તપાસ કરે ત્યારે સૌથી પહેલા બેંક ખાતાના માલિકની ધરપકડ થાય છે.

  • જેલ અને દંડ: સાયબર ફ્રોડમાં સાથ આપવા બદલ આકરી જેલની સજા અને દંડ થઈ શકે છે.

  • બેંકિંગ પ્રતિબંધ: ભવિષ્યમાં આવી વ્યક્તિ કોઈપણ બેંકમાં ખાતું ખોલાવી શકતી નથી અને તેનું નામ બેંકિંગ સેક્ટરમાં બ્લેકલિસ્ટ થઈ જાય છે.