Bhavnagar: PM આવાસ યોજનાના 35%થી વધુ મકાનો ભાડે અપાયા; મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો નિયમોનું ઉલ્લંઘન કરીને ભાડે આપવામાં આવતા હોવાની ફરિયાદના પગલે મહાનગરપાલિકાની ટીમે આજે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં 35% કરતાં પણ વધુ મકાનો ભાડુઆતને આપવામાં આવ્યા હોવાનું જણાયું છે.
ભાવનગર મહાનગરપાલિકાને લાંબા સમયથી ફુલસર PM આવાસ યોજનાના મકાનોના ગેરકાયદેસર ભાડાપટ્ટા અંગે ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદના આધારે આજે વિશેષ ટીમ દ્વારા સ્થળ પર જઈને આવાસ યોજનાના તમામ મકાનોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રહેવા માટે ફાળવવામાં આવી હોવા છતાં, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ પોતે રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને મકાનો ભાડે આપી દીધા હતા. BMCની તપાસમાં 35% થી વધુ મકાનોમાં ભાડુઆતો મળી આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા PM આવાસ યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ મકાન માલિકોને અને હાલમાં મકાનમાં રહેતા ભાડુઆતોને નોટિસ ફટકારવામાં આવી છે.

