VIDEO/ ભરૂચમાં ગરમીનો પ્રકોપ: પારો 42 ડિગ્રીને પાર, હીટ સ્ટ્રોકના કેસોમાં 20% નો વધારો
સોર્સ : GSTV
ભરૂચ જિલ્લામાં ઉનાળાનો પારો ૪૨ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં હીટ સ્ટ્રોકના કેસોમાં ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર, ગરમીને લીધે ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને બેહોશી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તબીબોએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્રમિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. બચાવ માટે સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરી માથું ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે વધતા હીટ સ્ટ્રોકના કેસોને જોતા આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા રાખવા સૂચના અપાઈ છે.

