Video/ રાણીપુરા ગામે પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ગ્રામજનોએ નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી
પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીમાંથી પંચાયત રિનોવેશન માટે રૂ. 2 લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલે આ કામનો કોન્ટ્રાક્ટ પોતે રાખી ભ્રષ્ટાચાર કરીને નાણાં ઉપાડી લીધા હતા. આ મામલે અગાઉ પણ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ વધ્યો છે.
પંચાયત રિનોવેશનનું કામ પૂર્ણ થયાનું દર્શાવી બિલની ચૂકવણી થઈ ગઈ હતી, પરંતુ બાદમાં કામના એસ્ટીમેન્ટની નકલ માંગતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો. જણાવ્યા મુજબ, જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું હતું તે જ કામ ફરીથી રિનોવેશન હેઠળ શરૂ કરાતા ભ્રષ્ટાચારના આક્ષેપો વધુ ઉગ્ર બન્યા છે.
આ સમગ્ર મામલામાં ભ્રષ્ટાચાર સંબંધિત દ્રશ્યો કેમેરામાં કેદ થયા હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. થોડા દિવસ પહેલા કારોબારી અધ્યક્ષના પતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હોવાનું જાણવા મળે છે અને હાલ તપાસ ચાલી રહી છે.
રાણીપુરા ગામના લોકોએ પંચાયત રિનોવેશન, ગટર લાઇન અને પેવર બ્લોકના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ અને સ્વતંત્ર તપાસ કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
હાલ સમગ્ર પંથકની નજર વહીવટી તંત્ર પર છે કે આ મામલે યોગ્ય તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.

