VIDEO: નર્મદા નદીની પરિક્રમા કરનારા ભક્તોના જીવને જોખમ, બોટમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડાયા
ભરૂચના હાંસોટમાં નર્મદા પરિક્રમાવાસીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વમલેશ્વરથી મીઠી તલાઈ જવા માટે બોટ સંચાલકો ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડી સલામતીના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. નદી અને સમુદ્રના સંગમ સ્થાને જોખમી મુસાફરી કરાવવા બદલ પરિક્રમાવાસીઓ પાસેથી 250 થી 500 રૂપિયા સુધીની ઉઘાડી લૂંટ પણ ચલાવવામાં આવી રહી છે. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા સ્થાનિક તંત્ર આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે. આવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ચર્ચા ઉઠી રહી છે. આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

