ભરુચની પોલિટેક્નિક કોલેજમાં હોબાળો, હાજરીના મુદ્દે ઈલેક્ટ્રિક વિભાગમાં 180માંથી 107ને પરીક્ષામાં ન બેસવા દેવાયા

ભરુચની શ્રી કે જે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાતા હોબાળો મચી ગયો હતો.આચાર્યને રજૂઆત કર્યા બાદ વિદ્યાર્થીઓએ હાજરી બાબતે ખાતરી આપતા મામલો સમેટાયો હતો.
56 વિદ્યાર્થી જતા રહ્યા
પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને આગામી 2 જી એપ્રિલથી શરૂ થનાર કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણી અને NSUI ના પૂર્વ જિલ્લા પ્રમુખ યોગી પટેલ કોલેજ ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવા અંગે રજુઆત કરતા કહ્યું કે, દર વર્ષે લગભગ 60થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે. આજ વર્ષે પ્રથમ સેમીસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જે હવે બીજા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે. 56 વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધી છે. જો હવે કોલેજ આ રીતે જ વિદ્યાર્થીઓને મિડ પરીક્ષાથી વંચિત રાખશે તો આગામી વર્ષોમાં કોલેજ અભ્યાસ છોડવાનો રેશિયો વધુ વધશે. કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારું વાતાવરણ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે સંયોજન ન હોવાથી આ સ્થિતિ સર્જાય છે.
બાંયધરી અપાઈ
કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને 75 ટકાથી ઓછી હાજરી હોવાથી નિયમ મુજબ તેઓને પરીક્ષા આપતા અટકાવ્યાં હોવાનું કારણ જણાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓએ હવે હાજરી બાબતે સજાગ રહેવાની ખાતરી આપતા આચાર્યએ પરીક્ષામાં બેસવા દેવાની બાંયધરી આપતા મામલો સમેટાયો હતો.

