Video/ બનાસકાંઠાની શાળામાં વિદ્યાર્થી ભુવાની જેમ ધુણ્યો, રોકવાને બદલે શિક્ષકે પણ સાથ આપતા ઉઠ્યા સવાલ
સરસ્વતીના ધામ ગણાતી શાળામાં જ્યારે વિજ્ઞાન અને જ્ઞાનની વાતો થવી જોઈએ, ત્યારે બનાસકાંઠા જિલ્લાની એક શાળામાંથી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વિદ્યાર્થી ક્લાસરૂમમાં ભુવાની જેમ ધુણતો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, તેને અટકાવવાને બદલે શિક્ષક પોતે પણ અંધશ્રદ્ધામાં ડૂબેલા હોય તેમ જણાય છે.
શિક્ષકની બેદરકારી અને નૈતિકતા પર સવાલ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માસૂમ વિદ્યાર્થી અચાનક ભુવાની જેમ ધુણવા લાગે છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીને સમજાવવાની અને તેને વૈજ્ઞાનિક અભિગમ આપવાની હોય છે. પરંતુ અહીં શિક્ષક પોતે પણ વિદ્યાર્થીની સાથે ધુણતા દેખાયા હતા. અંધશ્રદ્ધાનું ખંડન કરવાને બદલે શિક્ષકની આવી ભૂમિકાએ શિક્ષણ વિભાગની કામગીરી અને શિક્ષકોની નૈતિક જવાબદારી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
વીડિયોની સત્યતા અંગે ચર્ચા
આ વીડિયો બનાસકાંઠા જિલ્લાની કોઈ સરકારી કે ખાનગી શાળાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જોકે GSTV આ વીડિયો ક્યાનો છે અને ક્યારનો છે તેની પુષ્ટિ કરતી નથી.
સોશિયલ મીડિયા પર લોકોનો રોષ
વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેટીઝન્સ કહી રહ્યા છે કે જો શિક્ષકો જ અંધશ્રદ્ધા ફેલાવશે તો આવનારી પેઢીનું ભવિષ્ય શું હશે? શું આ રીતે 'ભણશે ગુજરાત'? શિક્ષણ વિભાગ આ મામલે તપાસ કરી જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

