VIDEO: "સંભલમાં પણ લહેરાશે ભગવો": અંબાજીમાં ઋષિરાજ ગિરી બાપુએ સંભલ વિવાદ કેસ અંગે કરી મોટી જાહેરાત
VIDEO: ઉત્તર પ્રદેશના સંભલ ખાતે આવેલી જામા મસ્જિદ અને હરિહર મંદિરના વિવાદિત કેસના મુખ્ય અરજદાર ઋષિરાજ ગિરી બાપુ આજે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. મા અંબાના આશીર્વાદ લીધા બાદ તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં પણ સત્યનો વિજય થશે.
સંભલથી અંબાજી સુધીની આસ્થા
કેલાદેવી ધામના ઋષિરાજ ગિરી બાપુએ અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી માનતા માની હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "સંભલની જામા મસ્જિદના પૂર્વ ભાગમાં હરિહર મંદિર હોવાનો દાવો મજબૂત છે. મુસ્લિમ આક્રાંતાઓએ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. આ નવા ભારતનો નવો ઉત્તર પ્રદેશ છે."
યોગી મોડેલ અને માનતા
બાપુએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને 'બુલડોઝર બાબા'ના વહીવટ પર પૂર્ણ ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, દેશના દરેક રાજ્યમાં આવું જ મોડેલ હોવું જોઈએ. તેમણે માનતા માની છે કે, કેસ જીત્યા બાદ તેઓ ફરીથી અંબાજી આવશે અને અંબાજીથી ગબ્બર સુધી ચાલીને જશે. ત્યાં અખંડ દીવો પ્રગટાવી ગબ્બરની ટોચ પર ભગવો ધ્વજ લહેરાવી પોતાની માનતા પૂરી કરશે.
હિન્દુ સમુદાયને આહવાન
તેમણે વધુમાં ઉમેર્યું કે, સંભલમાં વસ્તીનું માળખું બદલાયું હોવા છતાં ન્યાયતંત્ર પર તેમને વિશ્વાસ છે. આવનારા સમયમાં તમામ હિન્દુઓ સામૂહિક રીતે હરિહર મંદિરમાં જળાભિષેક કરશે અને ત્યાં ફરીથી ભગવો લહેરાશે. બાપુએ અંબાજી અને ગબ્બર ખાતે ભક્તો સાથે પણ મુલાકાત કરી હતી.

