VIDEO: સુઈગામના ચાળા ગામે કેનાલમાં ગાબડું કે બેદરકારી? 12 કલાકથી પાણી ફરી વળતા ખેડૂતનો જીરું-ચણાનો પાક ખાખ
VIDEO: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ તાલુકાના ચાળા ગામની સીમમાં નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્મદા કેનાલની સફાઈ કર્યા વગર જ તેમાં ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. જેના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે અને જગતનો તાત લાચાર બનીને નુકસાની જોઈ રહ્યો છે.
12 કલાક સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહ્યો
ચાળા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ, કેનાલ ઓવરફ્લો થવાની ઘટના બાદ સતત 12 કલાકથી વધુ સમય સુધી પાણી ખેતરોમાં ઘૂસતું રહ્યું હતું. ખેતરોમાં વાવેલા જીરું અને ચણાના પાકમાં પાણી ભરાઈ જવાથી પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે કેનાલોની યોગ્ય સફાઈ થતી નથી, જેનું પરિણામ આજે ગરીબ ખેડૂતોએ ભોગવવું પડી રહ્યું છે.
ખેડૂતોની આજીવિકા સંકટમાં
ભરશિયાળે મહેનત કરીને પકવેલો જીરું જેવો કિંમતી પાક જ્યારે લણણીના આરે હતો, ત્યારે જ પાણી ફરી વળતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ખેડૂતોએ હવે આ નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરી છે.

