VIDEO: અંબાજીમાં ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે નીકળી 31મી ભવ્ય રથયાત્રા; અંબુ મૈયા ધર્મશાળા ખાતે થયું ભગવાનનું મામેરું
યાત્રાધામ અંબાજી ખાતે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે અંબાજી સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના રથને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રભુની વિશેષ પૂજા અને મહાઆરતી કરીને બપોરે 12.00 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રા સમગ્ર અંબાજી નગરમાં ભ્રમણ કરીને પરત માનસરોવર નજીક આવેલા રાધાકૃષ્ણ મંદિરે સંપન્ન થઈ હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અંબુ મૈયા ધર્મશાળા ખાતે ભગવાનનું ભવ્ય મામેરું કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અંબાજી ખાતે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની આ 31મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. આ મહોત્સવમાં અંબાજીના સ્થાનિક ભાવિક ભક્તો ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર માર્ગો 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. યાત્રા દરમિયાન પરંપરાગત મુજબ ભક્તોને મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

