VIDEO: દાંતા સિવિલમાં ગંભીર બેદરકારી, મહિલાને એક્સપાયરી ડેટની બોટલ ચઢાવાતા હોબાળો!
બનાસકાંઠાના દાંતાની સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીને એક્સપાયરી ડેટની ગ્લુકોઝ બોટલ ચઢાવી દેવાતાં હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રવિવારે ખાનગી હોસ્પિટલો બંધ હોવાથી પરિવારજનો મહિલાને સિવિલ લાવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે ત્યાં કોઈ ડોક્ટર હાજર નહોતા અને નર્સિંગ સ્ટાફ મોબાઈલમાં મશગૂલ હતો. બોટલ ચઢાવ્યા બાદ રિયેક્શન આવતાં જ્યારે પરિવારજનોએ તારીખ ચેક કરી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ગંભીર ઘટના અંગે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ કે. કે. સિંહે પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું છે કે માત્ર ૧૦૦ એમએલ જેટલી જ બોટલ ચઢી હતી અને તે માત્ર ગ્લુકોઝ હોવાથી દર્દીની હાલત હાલ સ્થિર અને સારી છે. દર મહિને ચેકિંગ થતું હોવા છતાં આ બોટલ રહી ગઈ હોવાનું કહી, તેમણે રાત્રે હાજર સ્ટાફ સામે ખુલાસો માંગી કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

