પાલનપુરમાં 5 હજારથી વધુ ખેડૂતોની મહારેલીનું એલાન, પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા લેવાયો નિર્ણય

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આંદોલનની તૈયારીઓ શરૂ થઈ છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં આગામી 5 ઓક્ટોબરે 5 હજારથી વધુ ખેડૂતોની મહારેલી યોજવાનો નિર્ણય લેવાયો છે.
બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ
બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બટાટાના પાકમાં નુકસાન, પાક વીમો, રી-સર્વેમાં અન્યાય, બાયપાસ રોડ માટે જમીન સંપાદનનું ઓછું વળતર અને ડ્રીપ ઈરિગેશન સહાયમાં વિલંબ જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા. આ ઉપરાંત ટ્રેક્ટર-ટ્રોલીના પાસિંગના નિયમો રદ કરવાની પણ કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.
5 ઓક્ટોબરે ખેડૂતોની મહારેલી
કિસાન સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી રજૂઆતો છતાં ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં નારાજગી છે. જેના પગલે હવે સરકાર સમક્ષ આ મુદ્દાઓને લઈને મજબૂત રજૂઆત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ માટે 5 ઓક્ટોબરની મહારેલીમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે કિસાન સંઘ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

