તો શંકર ચૌધરીની રાજકીય કારકિર્દી મુકાશે જોખમમાં, માવજી પટેલ બન્યા માથાનો દુખાવો

વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ સિવાય અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. માવજી પટેલને પક્ષવિરોધી પ્રવૃતિ બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માવજી પટેલ ભાજપના દિગ્ગજ નેતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી માટે માથાનો દુખાવો બન્યા છે.
માવજી પટેલ જીતે તો શંકર ચૌધરીની રાજકીય કારકિર્દી જોખમમાં
વાવ બેઠક પર બળવાખોર માવજી પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી માટે મુસીબત ઉભી કરી છે. શંકર ચૌધરી માટે ઇધર કૂવા, ઉધર ખાઇ જેવો ઘાટ સર્જાયો છે. જો માવજી પટેલ વિરૂદ્ધ પ્રચાર કરે તો ચૌધરી મતદારો નારાજ થઇ રહ્યાં છે જ્યારે પ્રચારમાં ઢીલાશ દાખવે તો ભાજપની પ્રદેશ નેતાગીરી શંકર ચૌધરી પર બાજ નજર રાખી રહી છે. આ ઉપરાંત જો માવજી પટેલ ચૂંટણી જીતી જાય તો શંકર ચૌધરીનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મુકાઇ શકે છે. એટલુ જ નહીં, જો માવજી પટેલ હારશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરીએ ચૌધરી મતો મેળવવા મુશ્કેલ બની જશે. આમ, માવજી પટેલ શંકર ચૌધરી માટે માથાનો દુખાવો બન્યા છે.
માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ચૌધરી સમાજ લાલઘૂમ
વાવ વિધાનસભા બેઠક પર ભાજપે ટિકિટ ના આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ નેતાગીરીના આ પગલાંથી વાવ મત વિસ્તારમાં ચૌધરી સમાજ પણ ધુંઆપુઆ થયો હતો.ચૌધરી આંજણા સમાજને બેઠક યોજી સત્તાવાર રીતે જાહેરાત કરી કે, ભાજપ શું માવજી પટેલ અને ચૌધરી સમાજના આગેવાનોને સસ્પેન્ડ કરશે. અમે ભારતીય જનતા પાર્ટીને સૂચિત કરીએ છીએ કે, સમગ્ર ચૌધરી સમાજની અવગણના બદલ ચૌધરી આંજણા સમાજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને સસ્પેન્ડ કરે છે.
આ પણ વાંચો: માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ચૌધરી સમાજ લાલઘૂમ, વાવમાં આરપારની લડાઇના મૂડમાં
માવજી પટેલ બગાડશે ગણિત?
વાવ અને તેની આસપાસના વિસ્તારમાં ચૌધરી સમાજના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ વર્ગને ભાજપનો સમર્પિત મતદાતા માનવામાં આવે છે પણ માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે મુશ્કેલી ઉભી થઇ છે.માવજી પટેલ 2007માં પણ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને તે સમયે 19 ટકા મત મળ્યા હતા. 2007માં અપક્ષ ઉભા રહીને માવજી પટેલે કોંગ્રેસનું ગણિત બગાડ્યું હતું અને આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
વાવ વિધાનસભા બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
કોણ છે માવજી પટેલ?
વાવ તાલુકાના આકોલી ગામના માવજી પટેલ આ પહેલા વાવ અને થરાદ વિધાનસભામાં ચૂંટણી લડી ચુક્યા છે. 1990માં જનતા દળમાં ધારાસભ્ય હતા. વાવ અને થરાદમાંથી પણ તે અપક્ષ ચૂંટણી લડી ચુક્યા છે જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

