Banaskantha News: ભરત ચૌધરીની હત્યાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, આરોપીઓનો કાઢ્યો વરઘોડો
બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનની હત્યાના ચકચારી બનાવમાં પૈસાની લેતી-દેતીમાં થયેલી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 6 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે આરોપીઓનું આજે જાહેરમાં વરઘોડું કાઢી ગુનાહિતોને કડક સંદેશો આપ્યો છે. પાલનપુરના રામદેવ હોટલ નજીક બનેલી આ ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.
6 આરોપીઓને ઝડપી લેવાયા
પાલનપુરના ગાદલવાડા ગામના રહેવાસી ભરત ચૌધરીની હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પૈસાની લેતી-દેતીના વિવાદને લઈને આરોપીઓએ લોખંડની પાઈપ, તલવાર અને લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરતભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે નિતિનભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આજે આ આરોપીઓને પાલનપુરના એરોમા સર્કલ અને રામદેવ હોટલ પાસે જાહેરમાં વરઘોડા રૂપે લઈ જવાયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાલનપુરમાં થયેલા આ જઘન્ય ગુનાને લઈ પોલીસની ઝડપી કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસ વધ્યો છે. ત્યારે અસામાજિક તત્વોને પોલીસનો ડર બતાવવાનો પ્રયાસ રૂપ આ કાર્યવાહી માનવામાં આવી રહી છે.

