Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Ajmal Chaudhary beating case in Banaskantha, Mahant Baladevgiri detained after huge protest

બનાસકાંઠામાં અજમલ ચૌધરીને માર મારવાનો મામલો, ભારે વિરોધ બાદ મહંત બળદેવગિરીની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
બનાસકાંઠામાં અજમલ ચૌધરીને માર મારવાનો મામલો, ભારે વિરોધ બાદ મહંત બળદેવગિરીની અટકાયત
સોર્સ : gstv

બનાસકાંઠામાં અજમલ ચૌધરી લાફાકાંડ કેસમાં ચૌધરી સમાજના આક્રોશ બાદ મહંત બળદેવગિરીની અટકાયત કરવામાં આવી છે. અજમલ કેસના અનુસંધાને ચૌધરી સમાજ દ્વારા સતત આંદોલન બાદ શુક્રવારે (7 ઓગસ્ટે) મહંત બળદેવગિરીની અટકાયત કરીને ડીસા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સમગ્ર કેસ મામલે સઘન પૂછપરછ કરવામાં આવશે.

App Store

ચૌધરી સમાજના આક્રોશ બાદ મહંત બળદેવગિરીની અટકાયત

બનાસકાંઠાના દેવદરબાર જાગીરમઠ ખાતે વઢિયાર પંથકના ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને ઢોર માર મારવાના મામલે છેલ્લા 20 દિવસથી ન્યાયની માગ સાથે ચૌધરી સમાજ અડગ રહ્યો છે. ન્યાય મેળવવાના ભાગરૂપે અલગ-અલગ વિસ્તારોમાં સમાજની બેઠકોનો સિલસિલો યથાવત છે, તેવામાં 7 ઓગસ્ટે ચૌધરી સમાજના આંદોલન પગલે FIRમાં નામ ન હોવા છતાં મહંત બળદેવગિરીની અટકાયત કરીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ધાનેરાની આંજણા કોલેજમાં 'ચિંતન બેઠક'

ગત 6 ઓગસ્ટે ધાનેરાની આંજણા કોલેજ ખાતે ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના હોદ્દેદારો તેમજ સામાજિક આગેવાનોની એક મહત્વપૂર્ણ 'ચિંતન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા અજમલ ચૌધરી પર થયેલા અમાનુષી અત્યાચાર સામે ન્યાય માંગવા અને આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે યોજનારી ન્યાય રેલીમાં સમાજના લોકોને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ચિંતન બેઠક ધાનેરા ખાતે યોજાઈ હોવા છતાં સ્થાનિક ધાનેરા પંથકના ચૌધરી સમાજના લોકોની હાજરી નહિવત જોવા મળી હતી. સભામાં મુખ્યત્વે દિયોદર, લાખણી અને આજુબાજુના વિસ્તારોમાંથી આવેલા સમાજના લોકો અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બનાવને 20 દિવસ વિત્યા બાદ પણ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી ના થતાં ચૌધરી સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને ન્યાય માટે આ લડત વધુ ઉગ્ર બનાવવાની દિશામાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવાનો સમાજનો નિર્ણય

થોડા દિવસ ખાતે રાધનપુર ખાતે અજમલભાઈ કેસના અનુસંધાને ચૌધરી સમાજની મહત્ત્વપૂર્ણ સામાન્ય સભા યોજાયા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સમાજના આગેવાનોને વિગતવાર માહિતી આપવામાં આવી છે. આરોપીઓની અટકાયતથી લઈને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી તેમજ એફઆઈઆર સહિતની કાયદાકીય પ્રક્રિયા અંગેની વિગતો સભામાં રજૂ કરવામાં આવી હતી.

સમાજના 10 આગેવાનોની વિશેષ કમિટી

પીડિત પરિવારને ઝડપી અને પૂરતો ન્યાય મળે તે માટે સમાજના 10 આગેવાનોની વિશેષ કમિટી રચવામાં આવી હતી. આ કમિટી સમગ્ર કેસની કાયદાકીય પ્રક્રિયા પર નજર રાખશે અને જરૂરિયાત મુજબ સરકાર તથા વહીવટી તંત્ર સમક્ષ સમાજનું પ્રતિનિધિત્વ કરશે. કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે. પીડિતને વધુ અસરકારક રીતે ન્યાય કેવી રીતે મળી શકે તે અંગે સમાજના આગેવાનો સતત ચર્ચા કરી રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

બનાસકાંઠાના દેવદરબાર જાગીરમઠ ખાતે વઢિયાર પંથકના ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને ઢોર માર મારવાનો વીડિયો વાઈરલ થયા બાદ વિવાદ વધ્યો હતો. મારપીટના વાઈરલ વીડિયો બાદ ચૌધરી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર કેસ મામલે ચૌધરી સમાજના દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલન કરી આરોપી સામે કડક કાર્યવાહીની માગ ઉઠી હતી. સમગ્ર કેસ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને જેલના હવાલે કર્યા હતા. જો કે, ફરિયાદમાં મહંત બળદેવગિરીનું નામ ન ઉમેરાતાં પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચૌધરી સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી બળદેવગિરીનું FIRમાં નામ ઉમેરવાની માગ કરી હતી.