VIDEO: Aravalli / વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડાયું, ત્રણ તાલુકાના 3500 ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ
ઉનાળાની શરૂઆત સાથે જ ખેતીના પાકોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે માલપુર સ્થિત વાત્રક જળાશયમાંથી ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાત્રક ડેમની બંને કાંઠાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, વાત્રક જળાશયની જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડાતા માલપુર,બાયડ અને ધનસુરા તાલુકાના 3500 ખેડૂતોને લાભ થશે. ખેડૂતોની કુલ 1500 હેક્ટર જમીન પીયત હેઠળ આવશે. હાલ ખેતરોમાં મકાઈ, બાજરી અને જુવાર જેવા ઉનાળુ પાકો લહેરાઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં આ પાકોને પાણીની સખત જરૂર હતી. કેનાલોમાં પાણી આવતા આ પાકોને નવું જીવનદાન મળશે. ત્યારે કેનાલમાં પાણી છોડવાનો આ રાઉન્ડ 10થી 12 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

