VIDEO: અરવલ્લી / માલપુરમાં ટ્રેક્ટર કૌભાંડનો પર્દાફાશ! ખેડૂતો સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો
અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાંથી ખેડૂતો સાથે છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માલપુરમાં મોટા પાયે આચરાયેલા ટ્રેક્ટર ભાડા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ખેડૂતોએ પોતાનો 87 લાખથી વધુનો મુદ્દામાલ ગુમાવ્યો છે. આ આખા કૌભાંડમાં ચાર શખ્સો ખેડૂતોના અંદાજે 87 લાખની કિંમતના 16 ટ્રેક્ટર અને 7 ટ્રોલી લઈને ફરાર થઈ ગયા છે. આસપાસના અનેક ગામના ખેડૂતો આ છેતરપિંડીનો ભોગ બન્યાં છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ ખેડૂતોને લાલચ આપી હતી કે તેમના ટ્રેક્ટરો સોલાર કંપની તેમજ જુદી-જુદી કન્સ્ટ્રક્શન સાઇટ પર સારા ભાડાથી ચલાવવામાં આવશે. આ લોભામણી વાતોમાં આવીને અનેક ખેડૂતોએ પોતાના કિંમતી વાહનો ભાડે આપવાના કરાર કર્યા હતા. જો કે, કરારની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અને વારંવાર રજૂઆતો કરવા છતાં આરોપીઓએ ખેડૂતોને ટ્રેક્ટરો પરત કર્યા ન હતા અને છેતરપિંડી આચરી હતી.

