BZ કૌભાંડઃ 'જો બાપુ બહાર હશે તો જ પૈસા પાછા આવશે', વાંચો કોણે કહ્યું આવું...

સાબરકાંઠા: બી ઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે એક મહિના બાદ સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે સ્થાનિક સોશિયલ મીડિયાના ગ્રુપોમાં મેસેજો ફરતા થયા છે. ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ સ્થાનિકોના સોશિયલ મીડિયા ગ્રુપમાં ચર્ચા શરુ થઈ છે. કથિત રીતે સોશિયલ મીડિયાના ગ્રુપોમાં રોકાણકારો એક થઈને ગાંધીનગર જવાની વાત કરી રહ્યા છે. આ ગ્રુપોમાં લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, સરકાર જોડે બધું જતું રહેશે તો સહારા જેવી હાલત થશે. શનિવાર અને રવિવાર બધાને રજા હશે એટલે યોગ્ય સમયે ભેગા થઈ ગાંધીનગર જવાની ચર્ચાઓ થઈ રહી છે. એટલું જ નહીં, ઝાલાની ધરપકડ બાદ પોતાના પૈસે ભીખ માગવા જેવી સ્થિતિ થશે એવી ચર્ચા પણ ગ્રુપમાં જોવા મળી રહી છે.
શરણ આપનારા કિરણ સિંહની અટકાયત
ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દૌર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્ર સિંહના ભાઈ રણજીતસિંહ અને દરજી સહિતના સાત આરોપીઓની ધરપકડ બાદ હવે મહાકૌભાંડી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને શરણ આપનાર કિરણ સિંહ ચૌહાણની CID ક્રાઇમે અટકાયત કરી છે. કિરણ સિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણ સિંહે ભૂપેન્દ્ર સિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે સઘન પૂછપરછ કરી તપાસ આદરી છે. ભૂપેન્દ્ર સિંહને શરણ આપી છૂપાવવામાં મદદ કરનાર કિરણ સિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણ સિંહની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ BZ કૌભાંડઃ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના મહિલા PI સાથે હતા ખાસ સંબંધ, સગાઈ સુધી પહોંચી હતી વાત- સૂત્રો
સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર સિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર સિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

