VIDEO: આણંદ રેલ્વે સ્ટેશન નજીક માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, સદનસીબે જાનહાનિ ટળી
આણંદ રેલ્વે સ્ટેશન નજીક માલગાડીના કેટલાક ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
માહિતી મળતા જ રેલ્વે વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે માલગાડીના કેટલાક ડબ્બા કેવી રીતે પાટા પરથી ઉતર્યા તે અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. દુર્ઘટના બાદ અસરગ્રસ્ત ટ્રેકનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. ટ્રેકને ફરી કાર્યરત બનાવવા માટે રેલ્વે વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ પર રેલ્વે વિભાગ સતત નજર રાખી રહ્યો છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રેલ-વ્યવહાર સંપૂર્ણપણે કાર્યરત
રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મુખ્ય લાઇન પર નહીં પરંતુ લૂપ લાઇન પર ઘટના બની હોવાથી અમદાવાદ–મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર કોઈ અસર થઈ નથી. મુંબઈ–અમદાવાદ અપ અને ડાઉન બંને રૂટ પર ટ્રેનો નિયમિત રીતે દોડી રહી છે અને રેલ વ્યવહાર સંપૂર્ણપણે સામાન્ય છે.

