VIDEO: અમરેલીના લીલીયા નજીક સિંહના હુમલામાં યુવકનું મોત: વનવિભાગ એક્શનમાં
અમરેલીના લીલીયા નજીક અંટાલીયા પાસે સિંહના હુમલામાં ૨૧ વર્ષીય સોહિલ મૂંઝાવર નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટના સમયે સાથે રહેલા તેના મિત્ર યશરાજસિંહના જણાવ્યા મુજબ, તેઓ લીલીયાથી લુવારીયા જતી વખતે રસ્તો ભૂલી ગયા હતા અને સોહિલ બાથરૂમ માટે ઊભો રહ્યો ત્યારે જ અચાનક સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ દોડી આવેલા ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું કે, લુવારીયા રિઝર્વ ફોરેસ્ટ નજીક આ વન્યપ્રાણી અને માનવ ઘર્ષણની દુઃખદ ઘટના બની છે. હાલ ૯થી ૧૨ વર્ષના સિંહને રેસ્ક્યુ કરી લેવાયો છે. પ્રાથમિક અંદાજ મુજબ, સિંહ મેટીંગ પીરીયડમાં હોવાથી કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ હોવાની આશંકા છે, જેની ઊંડી તપાસ ચાલી રહી છે. વનવિભાગે ચેતવણી આપી છે કે સિંહને ખલેલ પહોંચાડવી કે પજવણી કરવી એ ગંભીર ગુનો છે અને આવું કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

