Video: અમરેલીમાં વરસાદનો કહેર, રાજુલામાં JCBની મદદથી સગર્ભાનો જીવ બચાવ્યો, લાઠીમાં મકાન ધરાશાયી
અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે ખેડૂતોને તેમના તૈયાર પાકોમાં વ્યાપક નુકસાન થયું છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.
સાવરકુંડલામાં પાંચ ઈંચ વરસાદ, ખેતીપાકો તણાયા
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સૌથી વધુ કહેર વર્તાવ્યો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી અને ભમોદ્રા જેવા ગામોમાં અનરાધાર 5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે. આ ભારે વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું છે, જેમાં ખેડૂતોની તૈયાર મગફળી તણાઈ ગઈ હોવાના સમાચાર છે. સાવરકુંડલાના ભમ્મર ગામની ફુલઝર નદી અને જામવાળી નદીમાં પણ પૂર આવ્યું છે. આ ઉપરાંત, ભારે વરસાદના કારણે સાવરકુંડલા-મહુવા જવાનો માર્ગ બાધિત થયો છે.
ખાંભામાં રાયડી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારો એલર્ટ
ખાંભાના ગ્રામ્ય પંથકમાં પણ સતત આખી રાત વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા તેના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે રાયડી નદી બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાંભાના તાતણીયા ગામની નદીમાં પણ પૂર આવ્યું છે, જ્યાં ખોડિયાર મંદિર પાસેના ધોધના રમણીય દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ખેડૂતોના મગફળીના પાથરા પલળી જવાથી ભારે નુકસાન થયું છે.
જાફરાબાદ પંથકમાં જળબંબાકાર, નદીઓમાં પૂર
જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોખડા અને લોર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. સોખડા ગામમાં સ્થાનિક નદીના પાણી વહેતા થયા, જ્યારે લોર ગામની તરીયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અહીં પણ ખેડૂતોને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
રાજુલામાં વિકટ પરિસ્થિતિ: JCBની મદદથી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો
રાજુલામાં વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. સમઢીયાળા બંધારાના પાણી માર્ગો પર ફરી વળતા રાજુલાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ થયા હતા. ચાંચબંદર જવાનો માર્ગ પણ બંધ થયો હતો.
આ સ્થિતિમાં, બંધારાનું પાણી માર્ગ પર આવતા ડિલિવરીવાળા દર્દીને ભારે મુશ્કેલી પડી હતી. જોકે, સ્થાનિક લોકોએ JCBની મદદથી આ સગર્ભા મહિલાને પાણીના પૂર વચ્ચેથી મહામહેનતે બહાર કાઢી હતી. ત્યારબાદ 108 મારફતે મહિલાને રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી અને સદભાગ્યે ત્યાં તેમની સફળ ડિલિવરી થઈ શકી હતી.
લાઠીમાં કાચું મકાન ધરાશાયી
લાઠી તાલુકાના ઠાંસા ગામે સતત 24 કલાક ધીમી ધારે વરસાદ ચાલુ રહેવાને કારણે સામતભાઈ વજાભાઈ પરમારનું કાચું મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મકાનમાં રહેલા માલ-સામાનનું નુકસાન થયું છે.
કમોસમી વરસાદના આ કહેરથી અમરેલી જિલ્લાના ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત પગલાં લેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

