પર્યાવરણપ્રેમીઓનો વિજય: બાબરકોટની ૭૫ હેક્ટર જંગલની જમીન અલ્ટ્રાટેકને આપવાની દરખાસ્ત નામંજૂર

Ultratech and Gujarat Government news : છેલ્લા બે-ત્રણ મહિનાથી સમગ્ર ગુજરાત અને દેશભરમાં ભારે વિવાદ સર્જી ગયેલાં રાજુલા-જાફરાબાદના બાબરકોટ વિસ્તારની 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઈનિંગ માટે પધરાવી દેવાનાં કૌભાંડ સમાન આયોજન પર આખરે પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટીએ પૂર્ણવિરામ મૂકવું પડ્યાં છે. વનવિભાગના સરકારી ચોપડે નોંધાયેલા 22 નંબરના સિંહ કોરિડોરને રાતોરાત સિંહ વગરનો બતાવી કંપનીને જમીનની લહાણી કરી દેવાનો ખેલ છતો થતાં જ વનતંત્ર અને સરકાર બેકફૂટ પર આવી ગયાં છે.
કંપનીને જંગલની જમીન ફાળવી દેવાની શંકાસ્પદ દરખાસ્તની વિગતો બહાર આવતાં જ સમગ્ર ગુજરાત અને દેશભરના સિંહપ્રેમીઓ, સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણવિદોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જે સિંહ ગુજરાતની અસ્મિતા છે, તેને જ ઉદ્યોગપતિઓના સ્વાર્થ માટે હોમાઈ રહ્યા છે તેવા પ્રહારો સાથે વનવિભાગ સામે ફિટકાર વરસાવવામાં આવ્યો હતો. આ જનઆક્રોશ અને સતત વધતા દબાણને કારણે આખરે કમિટીએ નમતું જોખવું પડયું છે.
ગત તા.7ના ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં આ વિવાદાસ્પદ દરખાસ્તને સ્પષ્ટપણે નામંજૂર કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણવાદીઓમાં આશ્વાસનની લાગણી વ્યાપી છે પરંતુ સાથે જ સવાલ એ પણ ઊભો થયો છે કે ખોટો રિપોર્ટ બનાવી સિંહોનું અસ્તિત્વ જોખમમાં મૂકનાર અધિકારી સામે ક્યારે અને કેવા પગલાં ભરાશે, કે કોઈ કાર્યવાહી જ નહીં થાય? નોંધનીય છે કે આ ઘટનાએ વનવિભાગની નીતિ અને દાનત સામે અનેક શંકાઓ જન્માવી છે. અગાઉ કંપનીએ વન વિભાગ પાસે દરખાસ્ત કરી હતી પરંતુ અગાઉના અધિકારીઓએ સિંહનો કોરિડોર અને કોર્ટના આદેશોને ધ્યાને રાખી જમીન આપવા સ્પષ્ટ ઈન્કાર કરી મામલો ડીસીએફ કક્ષાએ જ પૂર્ણ કરી દીધો હતો.
સરકારી ચોપડે કઈ રીતે સત્ય છૂપાવાયું?
વનવિભાગના પોતાના જ અધિકૃત 'મેનેજમેન્ટ પ્લાન' મુજબ રાજુલા-જાફરાબાદનો બાબરકોટ વિસ્તાર એ 'કોરિડોર નંબર ૨૨' તરીકે સ્થાપિત છે, જ્યાં આશરે ૫૦થી ૭૫ જેટલા એશિયાટિક સિંહોનો કાયમી વસવાટ અને મુક્ત અવરજવર છે. આમ છતાં ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવ દ્વારા એવો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે આ વિસ્તારમાં કોઈ સિંહ કે કોરિડોર અસ્તિત્વમાં જ નથી ! એક સરકારી અધિકારી કંપનીના હિત સાચવવા માટે આવા સફેદ જૂઠ સરીખા ખોટા દસ્તાવેજો કેમ બનાવે? એ હવે તપાસનો વિષય બન્યો છે.
પાંચ હજાર વૃક્ષોનું નિકંદન નીકળી જવાનું હતું
જો આ ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન માઈનિંગ માટે આપી દેવાઈ હોત તો ત્યાં આવેલા 5000થી વધુ વિશાળ અને વૈવિધ્યસભર વૃક્ષોનું સરેઆમ નિકંદન નીકળી ગયું હોત. એટલું જ નહીં, માઈનિંગના ધડાકા અને પ્રદૂષણને કારણે ત્યાં રહેતા પચાસથી વધુ સિંહો પોતાના કુદરતી આશિયાનામાંથી બેઘર બની જાય તેમ હતા. પોતાના નૈસગક વિસ્તારમાંથી સિંહો વિસ્થાપિત થતાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ-સિંહ સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચવાની ભીતિ સેવાઈ રહી હતી.
સિંહોનો કોરિડોર હોવાનું વનતંત્રએ સ્વીકારવું પડયું
ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત ફગાવતી વખતે કમિટીએ સ્વીકારવું પડયું છે કે આ વિસ્તારમાં સિંહોની હાજરી છે અને તે સત્તાવાર કોરિડોર છે. આ ઉપરાંત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્દેશો અનુસાર સિંહોના સંવેદનશીલ કોરિડોર કે વસવાટની જમીન નોન-ફોરેસ્ટ અથવા માઈનિંગ હેતુ માટે આપી શકાય નહીં. અદાલતના કડક વલણ અને કાયદાકીય મજબૂરીને કારણે જ આખરે આ દરખાસ્ત કચરાના ટોપલામાં ફેંકી દેવાઈ છે.
શું માત્ર દરખાસ્ત ના મંજૂર કરવાથી ગુનો માફ થઈ જશે ?
પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટીએ દરખાસ્ત રદ્દ કરીને જમીન તો સિંહો માટે સુરક્ષિત રાખી લીધી પરંતુ હવે અસલી સવાલ એ ઊભો થાય છે કે, જે અધિકારીએ આંખ આડા કાન કરીને, પદનો દુરૂપયોગ કરી અલ્ટ્રાટેક કંપનીને લાભ પહોંચાડવા ખોટો રિપોર્ટ આપ્યો હતો તેમની સામે શિસ્તભંગ કે ફોજદારી કાયદા હેઠળ પગલાં ક્યારે ભરાશે ? શું ઉચ્ચ સત્તાધીશો કે કંપનીના દબાણમાં આવા ભ્રષ્ટ રિપોર્ટ બનાવનારા આઈ.એફ.એસ. અધિકારી સામે સરકાર દાખલો બેસાડશે કે પછી મામલો રફેદફે કરી દેવાશે ?

